પદ્માવતી માતા મંદિર અને નાગ ભૂમિ. (પગલું - ૨૬૨૩)

Click here to begin the audio

shatrunjay

આપ 2623-માં પગથીયા પર પહોચો કે જમણી બાજુમાં પાણીની પરબ છે. પીળા પથ્થરનું પ્રવેશદ્વાર પાસે આપના પગરખા સાચવીને મુકો અને અંદર પ્રવેશ કરો. જમણી તરફ નાની નાની દેહરીમાં 24-તીર્થંકર પરમાત્માની દેરીઓ છે. અને તેમના પગલાની દહેરીઓ છે. આ દહેરીઓ ની વિશેષતા એ છે કે જે તીર્થંકર જે તે વૃક્ષ ની નજીક, કેવલજ્ઞાન કે મોક્ષ પામ્યા હતા, એ વૃક્ષની પ્રતિકૃતિ એ દહેરીની બાજુમાં છે. અને જે તે તીર્થંકરનો વર્ણ જે રંગ નો હતો, એજ રંગના પગલા જેવા કે, સોનેરી, લાલ, પીળો, ગુલાબી, કાળો, સફેદ, લીલો, અને વાદળી જેવા મુખ્ય રંગોના છે...તેમજ જે તે તીર્થંકર પરમાત્મા જે અવસ્થામાં કેવલજ્ઞાન પામ્યા હતા એ આસનમાં જ કોતરેલી બહુ સુંદર પ્રતિમાઓ છે.

 

ધ્યાનથી જોશો તો બહુ આકર્ષક અને ભવ્ય સંકુલ ની જમણી તરફ સ્વતંત્ર મંદિર છે એ પદ્માવતી માતાનું મંદિર. પદ્માવતી મા એ 23-માં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના યક્ષિણી દેવી છે. અને જૈન શાશનના અધીષ્ઠાયિકા દેવી પણ માનવામાં આવે છે. તે કમળના ફૂલમાં બિરાજમાન હોય છે. અને મસ્તક પર સાત ફેણ વાળા નાગણી અને તેમના મુંગટમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન હોય છે.

 

અમુક જૈન શાસ્ત્રોમાં એવી કથા છે કે ભગવાન પાર્શ્વનાથ જયારે કાશી નગરીના બાળ રાજકુમાર હતા અને નગર બહાર મેળો જોવા ગયા હતા. ત્યારે એક મિથ્યાભિમાની તાપસ ત્યાં હવન કરી રહ્યો હતો. એ હવનમાં તેમણે જે લાકડાની આહુતિ આપી તે જોઇને કુમાર પાર્શ્વ ને અનુકંપા થઈ. તેમણે તાપસ ને કહ્યું કે તમે બે જીવતા નાગ-નાગણની આહુતિ આપી રહ્યા છો. આ સાંભળી તાપસ ભયંકર ગુસ્સા માં આવીને બાળ પાર્શ્વને લલકારવા માંડ્યો. ત્યારે પાર્શ્વકુમાર એ લાકડું હવન કુંડમાં થી બહાર કાઢ્યું. અને એને ચીર્યું ત્યાં અંદર અર્ધા દાજી ગયેલા અને મૃત્યુ નજીક પહોચેલા નાગ-નાગણને બચાવ્યા. પછી નવકાર મહામંત્ર સંભળાવીને બન્ને આત્માનું કલ્યાણ કર્યું. એ નાગ યુગલ પછીના જન્મમાં યક્ષ ધરણેન્દ્ર અને યક્ષિણી પદ્માવતી સ્વરૂપે જન્મ્યા.

 

અને એ તાપસ પછી કમઠ ના રૂપે જન્મ્યો હતો. અને જ્યારે પાર્શ્વનાથ ધ્યાન કરી રહ્યા હતા, ત્યારે તેમના પૂર્વભવો નો વેરી કમઠ પાર્શ્વનાથને ધ્યાનથી વિચલિત કરવા જાત જાતના ઉપસર્ગો કરે છે, ત્યારે યક્ષ ધરણેન્દ્ર દેવ પાર્શ્વનાથના ચરણોથી અને યક્ષિણી પદ્માવતી તેમનું આખું શરીર ઢાંકીને મસ્તક સુધી રક્ષણ કરે છે. અને તેમને કેવલજ્ઞાન થાય એ માં મદદ રૂપ થાય છે.

 

પદ્માવતીમાતાની દેરી પાસે ઘણીવાર નાગ-નાગણ દેખાય છે. તમે પોણા ભાગની ચઢાઈ પૂરી ચુક્યા છો, અને સામે ઊંચા પહાડ પર દેખાતા દેરાસરો એ તમારી મંઝીલ છે...

 

આપણો  હવે પછીનો પડાવ, 2623-મુ પગથીયું પદ્માવતી માતાનું મંદિર છે.......